કિતાબ “બેહારૂલ અન્વાર” ની પ્રસ્તાવના

Reading Time: 7 minutes

લેખક: અલ અલમ, અલ અલ્લામા, ફખ્રરૂલ ઉમ્મહ, અલ મૌલા, અશ્ શયખ, મોહમ્મદ બાકિર મજલીસી (કદ્દસલ્લાહો સિર્રહુ)

દરેક વખાણ એ અલ્લાહ માટે છે કે જેણે યકીનના માર્ગ પર ચાલવા માંગતા લોકો માટે ઇલ્મના આસમાનને ઘટાટોપ બનાવ્યું, તેને નિહાળનારાઓ માટે તારાના જુંડો વડે શોભાયમાન બનાવ્યું અને નબુવ્વતના સૂરજ અને ઇમામના ચાંદ વડે તેમાં પ્રકાશના દીવા ટાંગ્યા. તેણે સિતારાઓને શૈતાનને મારવાની કાંકરીઓ બનાવી. ચમક્તા સિતારાઓ વડે ગુમરાહ લોકોના શકથી ઇલ્મની હિફાઝત કરી. પછી રાત્રિને કાળી (અંધકાર) બનાવી અને રોશન દલીલો વડે પ્રકાશિત કરી. તેણે મોઅમીનોના દીલની જમીનને બરકતવંતા ડહાપણના બગીચાઓ માટે તૈયાર કરી અને પછી તેને સપાટ બનાવી. તેણે તેમને ઇલાહી ઇલ્મના રહસ્યોના ફુલો માટે તૈયાર કર્યા. પછી તેણે તેમાં પાણીના ઝરણાં સ્ફુર્યા અને હરીયાળી બનાવી. શંકા અને કલ્પનાઓના ધરતીકંપથી તેની હિફાઝત કરી. પછી તેણે તેમાં સ્થિર પહાડોની જેવું સુકુન મુક્યું. આથી આપણે તેની અગણિત નેઅમતો બદલ તેનો શુક્ર અદા કરીએ અને આપણી નબળાઇ અને ખામીઓની કબુલાત કરીએ. આપણી તમામ સરળ તેમજ મુશ્કેલ બાબતોમાં આપણે તેની પાસે હિદાયત માંગીએ.

અને આપણે ગવાહી આપીએ છીએ કે અલ્લાહ સિવાય કોઇ ખુદા નથી. તે એક છે. તેનો કોઇ ભાગીદાર નથી. એવી ગવાહી કે જે ઇલ્મ, યકીન, તસ્દીક અને ઇમાનની હાલતમાં છે. આ ગવાહીમાં દીલ ઝબાનથી પહેલ કરે છે અને છુપાયેલું જાહેરથી સુસંગત છે અને અંબીયાઓના સરદાર અને ચૂંટાયેલાઓમાં ચૂંટાયેલા અને જમીનમાં અને આસમાનમાં તેનું નૂર મોહમ્મદ (સ.અ.વ.) તેના ખાસ બંદા છે. તેના ચૂંટાયેલા રસુલ છે અને તેના હબીબ (ચહીતા) છે અને જેનાથી આશા રાખવામાં આવે છે. અને તમામ મખ્લુક પર તેની હુજ્જત છે. અને બેશક અલ્લાહના વલી, ચૂંટાયેલા, તેની ખુલ્લી તલવાર, તેની મહાન ખબર, તેનો સીધો રસ્તો, તેની મજબુત રસ્સી, તેની બુનિયાદ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) છે. (જેઓ) વસીઓના સરદાર છે, બધી મખ્લુકના ઇમામ છે, કયામતના દિવસના શફી છે અને દુનિયાઓ ઉપર અલ્લાહની રહેમત છે અને તેની પાક ઇતરત અને તેની મહાન ઝુર્રીય્યત અને નેક એહલેબૈત (અ.મુ.સ.) માનનીય સરદારો છે, મખ્લુકના ઇમામો છે, અંધારામાં દીવા છે, કલામની ચાવીઓ છે, કચડી નાખતા સિંહો છે અને મખ્લુકની પનાહગાહ છે. અલ્લાહે તેમને તેની મહાનતાના નૂરથી ખલ્ક કર્યા છે, તેમને ડહાપણના રહસ્યો અતા કર્યા છે, તેમને તેની રહેમતની ખાણો બનાવ્યા છે, તેમની રૂહ (રૂહુલકુદ્દુસ) વડે મદદ કરી અને તેમને તમામ મખ્લુકાતમાંથી ચૂંટી કાઢ્યા છે. તેમના માટે આસમાનને ઉંચું કર્યું, જમીનને બીછાવી, પહાડોને સ્થિર કર્યા અને અર્શને આસમાન પર બિરાજમાન કર્યું. તેમના ઇલ્મના રહસ્યો વડે મોઅમીનોના દીલોમાં મઅરેફતના ફળો પાકે છે. અને તેમના ફઝલના વરસાદ વડે યકીન રાખવાવાળા લોકોના દીલોમાં ડહાપણના ઝરણાં વહે છે. પછી તેઓ પર અલ્લાહના દુરૂદ થાય. હંમેશાની સલવાત કે જે સવાબ હાંસિલ કરવાનો વસીલો બને છે અને તેમના વખાણ દરજ્જાઓના બુલંદ થવાનું કારણ બને છે અને તેમના દુશ્મનો ઉપર લાનત થાય ત્યાં સુધી કે જહન્નમના તબક્કાઓ સખ્ત અઝાબ માટે તૈયાર થાય અને દીનના દુશ્મનો ઉપર લાનત એ ઇબાદતનું સર્વશ્રેષ્ઠ રૂપ છે.

ત્યાર બાદ, માફ કરી દેવાવાળા અલ્લાહની રહેમતનો તલબગાર મરહુમ મોહમ્મદ તકી (અલ્લાહ તેમની મગફેરત કરે અને ઇમામો સાથે મેહશુર કરે)નો દીકરો મોહમ્મદ બાકિર કહે છે કે : એ સચ્ચાઇ અને યકીનના શોધવાવાળાઓના સમૂહ! એહલેબૈત (અ.મુ.સ.)અને રસુલોના સરદારની રસ્સીથી વળગી રહેનારાઓ! જાણી લ્યો કે, જ્યારે હું ભર યુવાનીમાં હતો મને જુદુ જુદુ જ્ઞાન તલબ કરવાનો લોભ હતો. હું જુદી જુદી શાખાઓમાંથી ઉંચી કળાઓ ભેગી કરવા ઉત્સાહી હતો પછી અલ્લાહના ફઝલથી હું તેના ઝરણાંમાં દાખલ થયો, તેના બગીચાઓ સુધી પહોંચ્યો. બિમાર તેમજ તંદુરસ્ત બધીજ જાતના ઇલ્મો ઉપર હું ડગમગ્યો. ત્યાં સુધી કે મેં મારી ચાદરમાં જુદા જુદા રંગના ફળો ભર્યા અને મારા ખીચામાં તેમાંથી સર્વશ્રેષ્ઠને મુક્યા. મેં દરેક ઝરણાંમાંથી તરસ બુજાવવા પાણીનો ઘુંટડો પીધો અને મેં દરેક જમીનમાંથી મુઠી ભરીને જરૂરત પુરી થઇ જાય એટલું લીધું. પછી મેં આ જ્ઞાનો અને તેના હેતુઓ તરફ જોયુ અને આ જ્ઞાન હાંસિલ કરવાવાળા લોકોના હેતુ ઉપર વિચાર કર્યો અને કઇ બાબત તેમને આ જ્ઞાનના શિખર પર પહોંચવા પ્રોત્સાહીત કરે છે એ બારામાં વિચાર્યું. મેં મનન કર્યું કે આમાંથી આખરેતમાં ક્યું જ્ઞાન કામ લાગશે? મેં વિચાર કર્યો કે આમાંથી ક્યા જ્ઞાનથી હિદાયત મળશે? આમાં મને અલ્લાહના ફઝલથી અને તેની પ્રેરણાથી યકીન થઇ ગયું કે ઇલ્મની પાકીઝગીની તરસ ત્યાં સુધી ન બુજાઇ શકે જ્યાં સુધી તેને પાક ઝરણાંમાંથી લેવામાં ન આવે. જે ઝરણું વહી અને ઇલ્હામના ઝરણાંમાંથી વહે છે. અને યકીનન હિકમત ફાયદામંદ નહીં થાય અગર તે દીનના અમાનતદારોથી અને તેને લોકોના આશ્રયસ્થાનોથી ન લેવામાં આવે.

પછી મને બધું જ ઇલ્મ અલ્લાહની કિતાબમાં (કે જેમાં જુઠને કોઇ સ્થાન નથી) અને એહલેબૈત (અ.મુ.સ.)ની હદીસોમાં મળ્યું. એ એહલેબૈત (અ.મુ.સ.) જેમને અલ્લાહે પોતાના ઇલ્મના ખઝાના બનાવ્યા અને તેની વહીનું અર્થઘટન કરવાવાળા બનાવ્યા. મને ખાત્રી હતી કે કુરઆનનું ઇલ્મ યકીની રીતે હાંસીલ કરવાના લોકોના સ્વપ્નો સાકાર નથી થઇ શક્તા અને ન તો તેના પર એહાતા હાંસિલ થઇ શકે છે. સિવાય દીનના એ ઇમામો વડે જેને અલ્લાહે ચૂંટ્યા છે. જેમના ઘરમાં જીબ્રઇલ નાઝિલ થતા હતાંં. આથી મારા સમયમાં જે ઇલ્મ પ્રવર્તતુ હતું અને જેની પાછળ મેં મારી ઝિંદગીનો ઘણો સમય વેડફી નાખ્યો હતો તેને મેં છોડી દીધું. અને મેં તે ઇલ્મ કે જે કયામતમાં કામ લાગશે તેને સ્વિકાર્યું, જો કે તેને લેવાવાળુ મારા સમયમાં કોઇ નહોતું. પછી મેં બરહક અઇમ્મે મઅસુમીન (અ.મુ.સ.)ની હદીસોને તપાસવાનું પસંદ કર્યું અને તેમાં ઉંડા ઉતરવાનું અને સંશોધન કરવાનું શરૂ કર્યું જેમકે તેમનો હક હતો. અને મેં તેમાં એવી નિપુણતા હાસિલ કરી કે જેવી કરવી જોઇએ.

મારી ઝિંદગીની કસમ! મને આ હદીસો હઝરત નુહ (અ.સ.)ની કશ્તી સમાન લાગી. જેની અંદર ખુશનસીબીના ખઝાના લાદેલા હતા. મને આ હદીસો ઝળહળતા દીવાથી શોભાયમાન આસમાન જેવી લાગી કે જે જેહાલતના અંધકારથી બચાવે છે. મને તેમના રસ્તા સ્પષ્ટ અને જાહેર લાગ્યા. હિદાયત અને કામ્યાબીની નિશાનીઓ તેમના માર્ગ પર લાગેલી જોઇ. સફળતા અને નજાત તરફ બોલાવવાવાળા અવાજો સંભળાયા. તેના રસ્તા પર ચાલતા ચાલતા હું નૂરથી ઝળહળિત અને લીલાછમ બગીચાઓ અથવા દરેક જ્ઞાનના ફૂલોથી શોભાયમાન પ્રકાશિત બાગો અને ડહાપણના ફળોથી લદાયેલી વાડીઓમાં પહોંચ્યો. હું જેમ જેમ તેના તબક્કાઓ પસાર કરતો ગયો તેમ તેમ મેં જોયું કે આ રસ્તા પર અગાઉ પણ લોકો ચાલ્યા છે અને તેમને અપનાવ્યા છે. એણે તેમને માન અને મરતબા સુધી પહોંચાડ્યા છે. પછી મને જે પાક છે તે સિવાય બીજા કોઇમાં ડહાપણ ન જણાયું અને હકીકત સુધી પહોંચવાનું શક્ય ન લાગ્યું સિવાય કે જે બાબતોના મૂળ તેમાં હોય.

પછી મેં કિતાબો ઉપર ઉબુર (નિપુણતા) હાંસિલ કર્યા બાદ એ ઉસુલો કે જે ભરોસાપાત્ર હતા પરંતુ જેને ત્યજી દેવામાં આવ્યા હતા, તેના મશહૂર હોવાનો સંંતોષ થયા બાદ, મેં તેને અનુસર્યા. કારણકે તે વધારે સંપૂર્ણ હતા, પુરતા હતા, ખામીથી મુક્ત હતા અને બીજા બધા માનવજાતના જ્ઞાનોથી વધારે તરસ છિપાવનારા હતા. એ ઉસુલોને લાંબા યુગોથી અને વિસ્તૃત સમયથી નીચે મુજબના કારણોને લીધે ત્યજી દેવાયા હતા.

૧.   દુશ્મન સુલ્તાનો અને ગુમરાહ નેતાઓનું વર્ચસ્વ.

૨.   ઇલ્મ હોવાનો દાવો કરનારા જાહિલોમાં પ્રવર્તતા બાતિલ ઇલ્મો.

૩.   આધુનિક આલિમો દ્વારા તેમના તરફ દુર્લક્ષ અને જે કંઇ મશહૂર હોય તેનાથી સંતોષ માનવો.

પછી એક દિવસ મેં શહેરના પૂર્વમાં અને પશ્ર્ચિમમાં હદીસો શોધવાનું શરૂ કર્યું. જેની પાસે હદીસ હશે એમ મને લાગ્યું તેમને મેં વિનંતી કરી, અગરચે તેઓ તેને આપવા તૈયાર ન હતા. મોઅમિનોના એક સમૂહે મારા આ કાર્યમાં મારી ખરેખર મદદ કરી. તેઓએ હદીસો મેળવવા શહેરોમાં મુસાફરી કરી. તેઓએ વિસ્તારો, જીલ્લાઓ અને દેશોમાં તેની ઝડપભેર શોધ ચલાવી. ત્યાં સુધી કે મારા રબના ફઝલથી મારી પાસે ભરોસાપાત્ર ઉસુલો ભેગા થઇ ગયા. એ ઉસુલો કે જેના પર ભૂતકાળના યુગોમાં આલિમોએ ભરોસો કર્યો હતો અને સદીઓ પહેલા વિદ્વાનો તેનાં તરફ રજુ થતા હતા. આથી મને તે ખૂબજ ઉપયોગી જણાયા કે જે પ્રચલિત મશહૂર કિતાબોમાં જોવા મળતાં ન હતા. મેં તેમાંથી મોટા ભાગના એહકામોના અનુસંધાનો જોયા. મોટા ભાગના લોકોએ કબુલ કર્યું કે કિતાબોમાં અનુસંધાન આપ્યા નહોતા. પછી મેં તેના પ્રચારમાં, તેને સહીહ કરવામાં, તેને ગોઠવવામાં અને તેની ચકાસણી કરવામાં મારા બધા પ્રયત્નો કામે લગાડી દીધા.

જ્યારે મેં જોયું કે જમાનામાં ફિત્નો શિખર પર પહોંચ્યો છે અને લોકો હિદાયતથી દૂર જઇ રહ્યા છે ત્યારે મને ડર લાગ્યો કે દીનમાંથી જે કંઇ થોડું ઘણું બચ્યું છે, તે ભુલાઇ જવાને લીધે અને ત્યજી દેવાને લીધે ચાલ્યું જશે મને ખૌફ થયો કે છળકપટના જમાનામાં મદદ ન મળવાને લીધે બધુ વિખરાઇ જશે. તદ્ઉપરાંત દરેક વિષયને લગતી હદીસો જુદા જુદા પ્રકરણોમાં અને જુદા જુદા વિભાગોમાં છવાએલી હતી. એક વિષય પર બધી હદીસો એક જગ્યાએ ભાગ્યે જ જોવા મળતી. હદીસોને છોડી દેવાનું એક કારણ શાયદ એ પણ હોય. અને તેને નોંધવાની વૃત્તિ લોકોમાં જોવા મળતી નહોતી.

ઇસ્તેખારા વડે મારા રબ પાસેથી અભિપ્રાય લીધો. તેની શક્તિ અને કુવ્વતમાંંથી મદદ ચાહી અને મેં હદીસોને એક કિતાબના રૂપમાં એકઠી કરવાનું, ગોઠવવાનું અને સંગ્રહ કરવાનું નક્કી કર્યું. જેમાં જુદા જુદા વિભાગો અને પ્રકરણો હોય, જેમાં હેતુ અને વસ્તુવિચારની નોંધ હોય અને એવી આશ્રર્યચક્તિ ગોઠવણી અને અદ્ભુત સંગ્રહ હોય કે જે તેના પહેલા ક્યારેય લખાયેલ ન હોય. દરેક વખાણ અલ્લાહ માટે છે. મેં જેમ ધાર્યું હતું તેમ તે સર્વશ્રેષ્ઠ રૂપમાં બહાર આવ્યું. અને અલ્લાહના ફઝલથી તે મારા સર્વશ્રેષ્ઠ અપેક્ષાથી પણ વધુ સારૂ નિવડ્યું કે એટલું તો મેં ધાર્યું પણ નહોતું. આ રીતે મેં દરેક પ્રકરણ તથા વિષયને લગતી સંબંધિત કુરઆનની આયતોથી શરૂ કર્યું અને પછી જ્યાં તફસીર અને સમજુતીની જરૂર લાગી ત્યાં તફસીરકારોના અભિપ્રાયો લખ્યા. આ રીતે દરેક પ્રકરણમાં એક વિષયને લગતી બધી જ હદીસો છે. અથવા હદીસનો તે વિષયને લગતો એક ભાગ છે. અને સંપૂર્ણ હદીસ બીજી યોગ્ય જગ્યાએ છે અને પહેલી જગ્યાએ દર્શાવી દીધું છે કે સંપૂર્ણ હદીસ કઇ જગ્યા એ આપી છે. જેથી સંક્ષિપ્તમાં હેતુ જળવાઇ રહે. જે હદીસોમાં સમજુતી આપવી જરૂરી હતી ત્યાંં મેં બહુજ ટૂંકમાં સમજુતી આપી છે. જેથી પ્રકરણો બહુ લાંબા ન થઇ જાય અને કિતાબોની જીલ્દો વધી ન જાય અને વિદ્યાર્થી માટે તેનો અભ્યાસ કરવો મુશ્કેલ ન થાય. અગર મોત મને મોહલત આપે અને અલ્લાહના ફઝલની મદદ મને મળે તો તેની વિસ્તૃત સમજુતી લખવાનો મારો વિચાર છે કે જેના મોટા ભાગના વિષયો મારા સમકાલિન દોસ્તોની કિતાબોમાં જોવા મળતા નથી. અને જે લોકોની અક્લને સંતોષે.

આપણી આ કિતાબોનો દુર્લભ ફાયદો એ છે કે તેમાં ઉપયોગી પ્રકરણો અને વિભાગો છે જે ઘણા ફાયદામંદ છે અને જેના તરફ આપણા સમકાલિન સાથીઓએ લક્ષ નથી આપ્યું. વિષયો જેવા કે કિતાબુલ અદ્લ વલ મઆદ, અંબીયા અને અઇમ્મા (અ.મુ.સ.)ના ઇતિહાસ, આસમાન અને સૃષ્ટિ પર કિતાબ જેમાં અનાસુર (તત્ત્વો)નો હાલ, આલમે ફિતરત વિગેરે વિષયો અલગથી ખાસ વિભાગોમાં અને પ્રકરણોમાં બીજા કોઇ લાવ્યા નથી અને આ વાત ધ્યાનથી અભ્યાસ કરનારથી છુપી નહીં રહે.

તો પછી અય દીની બિરાદરો! જેઓ મોઅમીનોના ઇમામો (અ.મુ.સ.)ના શીઆ હોવાનો દાવો કરો છો અગર તમે શીઆ હોવાના દાવામાં સાચા હો તો મારી આ મિજબાનીને સંપૂર્ણ તસ્લીમ અને યકીન સાથે કબુલ કરો, તેના પર ભરોસો કરી તેને વળગી રહો, અને તેઓમાંથી ન બનો જેઓ મોઢાથી જે કહે છે તે તેમના દિલોમાં નથી હોતુ અને તેમના શબ્દોના અર્થો ઉપરથી તેમના વિચારોના આંતરિક પાસા નિકળે છે. અને તેઓમાંથી ન બનો જેમને તેમની જેહાલત અને ગુમરાહીને લીધે બિદઅત અને ખ્વાહીશાતની ચાહનાનું પીણું પીવરાવવામાં આવ્યું છે. આથી તેઓ જે સાચા દીનની તબલીગને નકલી હોવાની ઘોષણા કરે છે કારણકે તેઓને દીનના ઇન્કાર કરનારાઓની ભેળસેળવાળી વાતો સુશોભિત લાગે છે.

તો પછી અય મારા ભાઇઓ! તમારા માટે ખુશખબરી અને ફરીથી તમને ખુશખબરી, આ કિતાબ માટે જે જુદા જુદા વિષયો અને કિંમતી જવાહેરાતનો સંગ્રહ છે. જમાનો તેના જેવું સુંદર અને પ્રકાશિત લાવી શક્યું નથી. તે એક ઉગતો સિતારો છે અદૃષ્ય ક્ષિતિજમાંથી જોવાવાળાઓએ તેના જેવું પ્રકાશમાન અને ઝળહળિત જોયું નથી. એક મહેરબાન દોસ્ત કે તેના જેવી સચ્ચાઇ અને વફાદારીની બાંહેધરી અગાઉના જમાનામાં ક્યારેય અપાઇ નથી. જે કોઇ અદેખાઇ જીદ અને સમજ ન પડવાને લીધે તેના ઉચ્ચ ઉસુલો અને ઉચ્ચ શાખાઓનો ઇન્કાર કરે તો પછી તેઓના માટે તેમનું આંધળાપણું અને ગુમરાહી પુરતા છે. જે કોઇ જેહાલત ગુમરાહી અને કમઅકલીને લીધે તેના ઉચ્ચ મકામ અને મધુર બયાનને માન્ય ન રાખે તો તેની શંકા તેના પોતાના માટે પુરતી છે.

આ કિતાબનું નામ છે : બેહારૂલ અન્વાર અલ જામેઅતો લે દોરરે અખબારીલ અઇમ્મીલ અત્હાર : એટલે નૂરોનો સમુદ્ર, અઇમ્મે મઅસુમીન (અ.સ.)ની હદીસોનો સંગ્રહ

કિતાબનો ટૂકો પરિચય

કિતાબનું નામ  :    બેહારૂલ અન્વાર

લેખકનું નામ  :    અલ્લામા મોહમ્મદ બાકિર  મજલીસી (અ.ર.)

કિતાબના ભાગ :    ૧૧૦

કુલ પાના    :    ૩૮૯૪૨

હદીસોની સંખ્યા :

 

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧, પાના નં. ૧ થી ૫)

Leave a Reply